દરિયાપુર પોલીસ સ્ટેશનથી માંડ 100 મીટર દૂર આવેલા મનપસંદ જીમખાનામાં ફરી જુગારધામ ધમધમી રહ્યું હોવાની ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે મોડીરાત્રે આ જુગારધામ ઉપર ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જીમખાનામાં 27 જેટલા જુગારીઓ જુગાર રમતા રંગેહાથે ઝડપાયા હતા. જીમખાનાની આડમાં જુગારનો અડ્ડો ચલાનારા ગોવિંદ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી.જેમાં ક્રાઈમ બ્રાન્ચે રોકડ, મોબાઈલ ફોન, વાહન તેમજ જુગારના સાધનો મળીને લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 1 મહિનામાં 2 મોટી રેડ થતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મનપસંદ જીમખાનાના માલિકો સાથે સ્થાનિક પોલીસની સાંઠગાંઠ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
6 જૂન 2021ના રોજ પણ મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો, ત્યારે જુદા જુદા 7 મકાનોમાંથી જુગાર રમતા 180 લોકો પકડાયા હતા. ગુજરાતના ઈતિહાસમાં જુગારની આ સૌથી મોટી રેડ હતી. જે બાદ દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત 12 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. તો 100 પોલીસ કર્મચારીઓ સામે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.