ગુજરાતના તમામ જિલ્લાને ફાળવવામાં આવેલા EVM અને VVPAT ની ચકાસણી કરવા સૂચન અપાયું છે. આ માટે કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદાર સહિત અન્ય કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે ઇવીએમના ફર્સ્ટ લેવલ ચેકિંગનું સીધું વેબ કાસ્ટિંગ કરાશે. તમામ જિલ્લાના મામલતદાર, નાયબ મામલતદાર અને રેવેન્યુ તલાટીઓ બે સપ્તાહ માટે ઇવીએમ મશીનોની ચકાસણી કામગીરીમાં જોતરાઈ જશે.આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી એટલે કે 3 ઓક્ટોબરથી ગુજરાતભરમાં EVM અને વીવીપેટના ફર્સ્ટ લેવલની ચકાસણીની કામગીરી શરૂ થનાર છે. આ માટે ભેલના એન્જિનિયરોને બોલાવવામાં આવ્યા છે. ભેલના 40થી વધુ એન્જિનિયરો ગુજરાત પહોંચ્યા છે.
એન્જિનિયરો દ્વારા ઈવીએમ-વીવીપેટમાં ક્યાં ખામી છે તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદારને ઈવીએમ અને વીવીપેટની ચકાસણી 25 દિવસમાં પૂર્ણ કરવાનો આદેશ પણ અપાયો છે.