અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલ ખાતે ઈદના આગલા દિવસે વિદ્યાર્થીઓ માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થીએ નમાજ પઢી હતી અને નમાજ વિશે માહિતી આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ આ મામલે વાલીઓ અને હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. વાલીઓ અને હિન્દુ સંગઠનો સ્કૂલ ખાતે પહોંચ્યા હતા.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી છે. સમગ્ર મામલે લેખિત ખુલાસો આપવા માટે આજે સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલને નોટિસ પાઠવી સત્વરે ખુલાસો આપવા જણાવ્યું છે. ધાર્મિક લાગણી દુભાઇ એવો કોઈ પણ પ્રકારનો સ્કૂલે પ્રયાસ કરવો ન જોઈએ.
ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલના આચાર્ય નિરાલી ડગલીએ જણાવ્યું હતું કે, અમારી શાળામાં તમામ તહેવારની ઉજવણી થાય છે. ગણેશ સ્થાપન પણ કરવામાં આવ્યું હતું અને નવરાત્રીની પણ ઉજવણી કરવામાં આવનારા છે. ત્યારે અન્ય તહેવારની ઉજવણી માફક આવું 2 મિનિટ માટે કરવામાં આવ્યું હતું. ઈદના આગલા દિવસને આ કરાયું હતું. કોઈ બાળકને ફોર્સ કરવામાં આવ્યો નહોતો. વિદ્યાર્થીઓને ફક્ત માહિતી આપવાના હેતુથી આમ કરવામાં આવ્યું હતું. છતાં લોકોની લાગણી દુભાઈ હોય તો અમે માફી માગીએ છીએ. અમે માફીપત્ર પણ આપ્યો છે.