મહાકાળ નગરી ઉજ્જેનમાં 25 સપ્ટેમ્બર 2023ના દિવસે 12 વર્ષની બાળકી પર ભરત સોનીએ રેપ કર્યો હતો અને તેને અર્ધ નગ્ન છોડી મૂકી હતી. યુવતી લોહીથી લથપથ રસ્તા પર રખડતી જોવા મળી હતી. આ કેસમાં 72 કલાકની સઘન તપાસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ભરત સોની તરીકે થઈ હતી. આરોપી વ્યવસાયે ઓટો ડ્રાઇવર છે.
બુધવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ પોલીસ અને પ્રશાસન સાથે આરોપી ભરત સોનીના ગેરકાયદે કબજામાં પહોંચી ગયો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ દળ, મહેસૂલ વિભાગની ટીમ અને મ્યુનિસિપલ સ્ટાફ હાજર રહ્યા હતા. જો કે, આરોપીઓના પરિવારજનોએ તેમના સાધનો કાઢવાનું શરૂ કરી દીધું હતું. મહત્વનું છે કે, આરોપીના પરિવારે 20 વર્ષથી આ જગ્યા પર કબજો કર્યો હતો અને આરોપીનો એક ભાઈ ભૂતકાળમાં હિસ્ટ્રીશીટર રહી ચૂક્યો છે, જેનું મોત નીપજ્યું છે. ઉજ્જૈનના નાનાખેડા વિસ્તારમાં રેપ કેસના આરોપી ભરત સોનીનું ઘર છે. તેઓએ 20 વર્ષથી ગેરકાયદેસર રીતે તેના પર કબજો કર્યો હતો. આ લોકોએ ઘરની અંદર મંદિર પણ બનાવ્યું હતું. આ કાર્યવાહી કરવામાં આવી ત્યારે આરોપીના માતા-પિતા હાજર હતા. આરોપીનો બીજો ભાઈ નજીકમાં જ ચાની દુકાન ચલાવે છે. જે સમયે પ્રશાસન બુલડોઝરની આ કાર્યવાહી કરી રહ્યું હતું, તે સમયે આસપાસના વિસ્તારોમાંથી લોકો અહીં એકઠા થઈ ગયા હતા. જો કે આ કાર્યવાહીમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે પોલીસ-પ્રશાસને પણ તમામ તૈયારીઓ કરી લીધી હતી. ભારે વહીવટી કર્મચારીઓની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બુલડોઝર કાર્યવાહી દરમિયાન મામલતદાર અને તલાટી પણ હાજર હતા.