અલ્હાબાદ હાઈકોર્ટે હિંદુ મેરિજ એક્ટની કલમ 7નું ઉદાહરણ પણ આપ્યું હતું જેમાં પણ કહેવાયું છે કે જ્યાં સુધી દુલ્હન સાત ફેરા પૂરા ન કરી લે ત્યાં સુધી પત્ની બની શકતી નથી. હાઈકોર્ટે આ કલમને આધારે ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે સાત ફેરા વગરના લગ્ન માન્ય નથી.
સ્મૃતિ સિંહ અને સત્યમ સિંહના લગ્ન 2017માં થયા હતા, પરંતુ બંને સાથે રહી શક્યા ન હતા. પતિ સાથે ખટરાગ બાદ સ્મૃતિ પિયર રહેવા લાગી હતી અને ત્યાર બાદ
તેણે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો. સ્મૃતિએ ભરણપોષણ માટે અરજી કરી હતી. 11 જાન્યુઆરી, 2021ના રોજ મિર્ઝાપુર ફેમિલી કોર્ટે સત્યમ સિંહને સ્મૃતિને દર મહિને 4 હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. નિર્ણય મુજબ સ્મૃતિ ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી આ પૈસા તેને આપવાના હતા. સત્યમે સ્મૃતિ પર છૂટાછેડા લીધા વિના ફરીથી લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરી. 20 સપ્ટેમ્બર 2021ના રોજ, નીચલી અદાલતે સ્મૃતિ સિંહને સમન્સ જારી કર્યા અને તેમને 21 એપ્રિલ 2022ના રોજ હાજર થવાનો આદેશ આપ્યો. આ આદેશ સામે સ્મૃતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને જજે સ્મૃતિની તરફેણમાં ચુકાદો આપતાં વિશેષ ટિપ્પણી કરી હતી.