તા.25 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થઈ હતી. સમગ્ર ગુજરાતમાંથી ચોમાસુ પૂરું થવાની નોર્મલ તા. 5 ઓક્ટોબર છે જે એકંદરે જળવાઈ છે. ત્રણ દિવસ પહેલા એટલે કે 3 ઓક્ટોબરે રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય બાદ હવે સૌરાષ્ટ્રના કાંઠાળ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદાય જાહેર થવા સાથે સમગ્ર રાજ્યમાં ચોમાસાની પૂર્ણાહુતિ થઈ છે.
જૂન મહિનામાં રાજ્યમાં 242.96 મિમિ વરસાદ નોંધાયો હતો. જ્યારે જુલાઈમાં 448.73 મિમિટ વરસાદ પડ્યો હતો.. પરંતુ ઓગસ્ટમાં વરસાદે લગભગ વિરામ લીધો હતો. આખા રાજ્યમાંથી ઓગસ્ટ મહિનામાં વરસાદ બ્રેક લેતા તે સમગ્ર મહિનામાં માંડ 25.49 મિમિ વરસાદ પડ્યો હતો. ગત સપ્ટેમ્બર મહિનામાં શરૂઆતના દિવસો બાદથી વરસાદે પાછી હાથતાળી આપી હતી. જેના કારણે સપ્ટેમ્બરમાં વરસાદની સરેરાશ 39.33 મિમિ નોંધાઈ હતી. રાજ્યમાં સિઝનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
ચાલું ઓક્ટોબર મહિનામાં વરસાદ ક્યાંય નજરે પડતો નથી. હવે તો ભાદવાનો આકરો તાપ લોકોને બાળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ગરમીની તીવ્રતા વધી છે. જ્યારે વહેલી સવારે અને મોડી સાંજ બાદ અનેક વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.