Satya Tv News

ભાવનગરમાં 22 હજાર જેટલા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા મધ્યાહન ભોજન બનાવવા માટે વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ થયા છે. મધ્યાહન ભોજનમાં ભેળસેળયુક્ત તેલ વપરાયાનો ખુલાસો થયો છે.મનપાની શાળાઓમાં મધ્યાહન ભોજનનું કામ અક્ષયપાત્ર નામની સંસ્થાને આપવામાં આવ્યું છે. ખાદ્યતેલના નમૂના ફેલ થયા બાદ મનપાએ અક્ષયપાત્ર સંસ્થાને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે અને તેલ સપ્લાયરને રૂ. 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

મનપાના ફૂડ વિભાગે વર્ષ 2022માં આ શાળાઓમાંથી તેલના નમૂના લીધા હતા. આ નમૂના ફેલ ગયા બાદ છેક 1 વર્ષ અને 8 મહિના બાદ મનપાએ કાર્યવાહી કરી છે. મધ્યાહન ભોજન બનાવતી અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને અત્યાર સુધી કેમ છાવરવામાં આવ્યા અને આટલા સમય સુધી તેમની સામે સામે કાર્યવાહી કેમ કરવામાં ન આવી તે એક મોટો સવાલ છે. એક સાથે આટલા બધા હજારો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવા છતાં મનપાએ આ બાબતને કેમ ગંભીરતાથી ન લીધી? મહાનગરપાલિકાએ અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયરને કેમ બચાવવાનો કર્યો પ્રયાસ? જેવા અનેક સવાલો સ્થાનિકો મુખે ચર્ચાઈ રહ્યા છે.

error: