નવરાત્રીના પર્વને ગણતરીના દિવસો જ બાકી છે.ખેલૈયાઓ અને ગરબા આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે અનેક જગ્યાએ ગરબા આયોજકો દ્વારા ગરબામાં ફરજિયાત તિલકનો નિયમ બનાવવામાં આવ્યો છે. એટલે કે ‘નો તિલક, નો એન્ટ્રી’નો નિયમ બનાવવામાં આવ્યો છે. કેટલાક લોકો આયોજકોના નિર્ણયને સ્વીકારી રહ્યા છે, તો કેટલાક આ નિર્ણયની ભારે ટીકા કરી રહ્યા છે. એવામાં હવે આ મામલે પંચમહાલ જિલ્લાના કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે.
ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના મત વિસ્તારના લોકો અને ગરબા આયોજકોને અપીલ કરી છે. કે નવરાત્રીમાં ગરબા માટે આવતા તમામ લોકો તિલક કરીને આવે. તેઓએ હિન્દુ સનાતન ધર્મની રીત અનુસરવાની અપીલ કરી છે. ફતેસિંહ ચૌહાણે જણાવ્યું કે, હાલતમાં સનાતન ધર્મ વિશે ટીકા-ટિપ્પણી થઈ રહી છે. વિશ્વમાં નિજ સનાતન ધર્મ સિવાય કોઈ ધર્મ ન હતો. આપણે એ પરંપરા જાળવી રાખવાની છે. દરેક સનાતની હિન્દુઓએ નવરાત્રીમાં અવશ્ય તિલક કરીને આવવું.
આ અગાઉ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ આવું જ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, આગાણી 15મી ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. દર્ભાવતી એટલે કે ડભોઈમાં નવરાત્રીનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. 12-15 હજાર યુવા યુવતીઓ ગરબે ઘુમતા હોય છે. ડભોઈમાં એકમાત્ર મોટા ગરબા APMC ગ્રાઉન્ડ પર હોય છે. ડભોઇની આજુબાજુનાં યુવક-યુવતીઓ આ ગરબામાં રમવા માટે આવતાં હોય છે.
ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, દર વખતે અમારી જાહેરાત હોય છે અને અમે કહેતા હોઈએ છીએ કે ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું. યુવતીઓએ ચણીયાચોરી પહેરીને આવવું અને યુવકોએ ફરજિયાત ઝભ્ભો પહેરીને રમવા આવવું. જે યુવાનો અહીં આવે છે તેમણે ફરજિયાત તિલક કરીને આવવું જોઈએ. વર્ષોથી આ પ્રણાલી દર્ભાવતીમાં રહેલી છે. અનેકવાર વિવાદો થયા છે ત્યારે આ એક પ્રણાલી છે.