ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સામેલ થવું જરૂરી નથી.’ તેમણે કહ્યું કે, તે સંપૂર્ણપણે વૈકલ્પિક હશે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાના તણાવને ઘટાડવાનો છે.
ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, “સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશનનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે.કારણ કે, તેનું જૂનું વર્ઝન ખૂબ વ્યાપક છે. અને આજની શિક્ષા પ્રણાલીની માંગો અલગ છે.એવા સમયે જ્યારે આપણે NEPની સાથે એક આદર્શ બદલાવ કરી રહ્યા છીએ,ત્યારે CABEને પણ ફરીથી તૈયાર કરવાની જરૂર છે.”
તેમણે કહ્યું, “કેટલાક રાજ્યો દ્વારા NEPના અમલીકરણ પર ઉઠાવવામાં આવેલા વાંધાઓ રાજકીય છે, શૈક્ષણિક નથી. હું હજુ પણ તે સમજવામાં અસમર્થ છું કે તેઓને વાંધો કઈ વાત પર છે, પશ્ચિમ બંગાળનો વૈકલ્પિક દસ્તાવેજ 99 ટકા NEP સમાન છે.”
કોટામાં વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટનાઓ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે,કોઈનો કિંમતી જીવ ન જવો જોઈએ. તેઓ અમારા બાળકો છે. વિદ્યાર્થીઓને તણાવમુક્ત રાખવાની અમારી સામૂહિક જવાબદારી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું કે વિદેશી યુનિવર્સિટીઓ માટે ભારતમાં કેમ્પસ સ્થાપવા માટેની માર્ગદર્શિકા પર ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ તેને સૂચિત કરવામાં આવશે.