અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમા આવેલા વિવાદસ્પદ અને ભ્રષ્ટાચારના હાટકેશ્વર બ્રિજ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. ખખડધજ આ ભ્રષ્ટાચારના બ્રિજને તોડી પાડવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ ટેન્ડર જાહેર કર્યુ છે. અમદાવાદ મહાનગર પાલિકાએ સત્તાવાર ટેન્ડર તોડી પાડવા માટે જાહેર કર્યું છે. ફ્લાય ઓવર બ્રિજના જરૂરિયાત મુજબ સ્ટ્રક્ચર ભાગને તોડવા અને બાકીના હયાત બ્રિજના સ્ટ્રક્ચરને નવેસરથી રિ-કન્સ્ટ્રક્શન કરવા ટેન્ડર બહાર પડાયું છે. આગામી 8 નવેમ્બર સુધી ટેકનીકલ બીડ મોકલી આપવા જાહેરાત અપાઇ છે. બ્રિજ તોડવા પાછળ રૂપિયા 24 કરોડની વધુ ખર્ચનો અંદાજ મુકાયો છે. પરંતુ બ્રિજ બનાવાની કોસ્ટ અંદાજીત 40 કરોડ હતી.એટલે અહીં ઘાટ કરતા ઘડામ મોંધી થશે.
બ્રિજ તોડવા પાછળનો ખર્ચ કોણ ભોગવશે,ભ્રષ્ટાચારનો બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અજ્ય ઇન્ફા કે પછી અમદાવાદ મહાનગર પાલિકા તે અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. બ્રિજ આખો જમીન દોસ્ત કરાશે કે પછી બ્રિજમાં રિ-કન્સ્ટ્રક્શન કરી બ્રિજ મજબુત કરાશે તે અંગે પણ કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.
29મી સપ્ટેમ્બરે સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર બ્રિજ ક્યારે તોડી પાડવામાં આવશે, તે અંગે જાહેર કરવાની માંગ કરાઇ હતી. જેના જવાબમાં મહાનગર પાલિકા કમિશનર એમ થેન્નારસન દ્વારા હાટકેશ્વ બ્રિજ ટૂંક સમયમાં તોડવા માટે ટેન્ડર બહાર પડાશે તેવી ખાતરી પણ આપી હતી. ત્યારે હાલ વિવાદસ્પદ બ્રિજને લઇ ટેન્ડર બહાર પડાયું છે. ત્યારે જોવાનું રહે છે કે બ્રિજ ક્યારે તૂટે છે?