પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તૈયારીઓ કરી લીધી છે. જે મુજબ છત્તીસગઢમાં બે તબક્કામાં અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક તબક્કામાં મતદાન થઈ શકે છે. ચૂંટણી પંચે 5 રાજ્યોની મુલાકાત લીધા બાદ આ પ્લાન તૈયાર કર્યો છે. 2023માં આ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે- મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા. મિઝોરમમાં વિધાનસભાની કુલ 40 સીટો છે. અહીં લોકસભાની 1 સીટ અને રાજ્યસભાની 1 સીટ છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 સીટો છે. અહીં લોકસભાની 29 અને રાજ્યસભાની 11 સીટો છે. રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટો છે. અહીં લોકસભાની 25 અને રાજ્યસભાની 10 સીટો છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 11 અને રાજ્યસભાની 5 સીટો છે. તો તેલંગાણામાં કુલ 119 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 17 અને રાજ્યસભાની 7 સીટો છે.
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલા ચૂંટણી પંચે શુક્રવારે રણનીતિને અંતિમ સ્વરૂપ આપવા માટે પોતાના નિરીક્ષકોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 5 રાજ્યોના લગભગ 900 ચૂંટણી નિરીક્ષકો સામેલ થયા હતા. બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર અને સિક્યુરીટી ઓબ્ઝર્વર પણ હાજર રહ્યા હતા. બેઠક દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાઈ હતી. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર અને બંને ચૂંટણી કમિશનર પણ હાજર રહ્યા હતા.