સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત મળી છે. નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો નજીક છે, ત્યારે બહારગામથી ઓર્ડરો નીકળતા વેપારની નવી આશા જાગી છે. હમણાં સુધી મંદીનો સામનો કરી રહેલા સુરત ટેક્સટાઇલ્સ માર્કેટમાંથી પ્રતિદિવસ માંડ માંડ 50થી 60 જેટલી ટ્રક માલ ભરી અન્ય રાજ્યમાં જતી હતી, જે ટ્રકોની સંખ્યા વધીને 240થી 250 પર પહોચી છે. જેના પગલે દિવાળી સુધીમાં સુરત ટેક્સટાઇલ્સ માર્કેટને અંદાજીત આઠથી દસ હજાર કરોડનો વેપાર મળે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
દિવાળી નજીક આવતા સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ટ્રકોની ડિમાન્ડમાં વધારો થયો છે. આ અંગે સુરત ટેક્સટાઇલ ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેએ જણાવ્યું કે, સુરત એક ટેક્સ્ટાઇલ હબ છે. જેમાં એશિયાની મોટામાં મોટી ટેક્સટાઇલ મંડી આવેલી છે. રક્ષાબંધનના પર્વ પર સુરતથી દરરોજ અંદાજીત 180 જેટલી ટ્રકો કાપડ અને સાડીના પાર્સલો લઈ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી. પરંતુ હાલ દિવાળીનો તહેવાર નજીક છે અને ગઈકાલથી સુરતથી અલગ અલગ રાજ્યોમાં અંદાજીત 235 જેટલી ટ્રકમાં પાર્સલો મોકલવામાં આવ્યા છે.