Satya Tv News

શક્તિ ઉપાસનાના મહાપર્વ એટલે આસો નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ ચૂક્યો છે, ત્યારે નવરાત્રી દરમિયાન શક્તિપીઠ દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના આજે પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો શક્તિપીઠ પાવગઢ પહોંચ્યા છે. તો અમદાવાદના ભદ્રકાળી માતાજીના મંદિરે પણ ભક્તોની લાંબી લાઈનો લાગી છે.

નવરાત્રીમાં રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાંથી માં મહાકાળીના પાવન યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આશો નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે અંદાજીત 2 લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢના માંચીથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મંદિર પરિસર સહિત પગથીયાં સુધી જાણે હૈયેથી હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ માતાજીના દર્શન માટે લાંબી કતારો પણ જોવા મળી રહી છે. દૂર દૂરથી આવેલા ભક્તો પણ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

નવરાત્રી દરમિયાન વહેલી સવારથી માતાજીના મંદિરના નિજ દ્વાર ખોલી મોડી રાત્રી સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસથી જ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4.00 કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલશે તો બાકીના દિવસો માં સવારે 5.00 કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખોલવામાં આવનાર છે. તમામ દિવસોએ રાત્રે 9.00 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે.

error: