ક્રિકેટના મેદાનમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમ સામ-સામે હોય છે, ત્યારે માહોલ દેશભક્તિમય બની જાય છે. વર્લ્ડ કપ 2023 દરમિયાન જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની ટીમો મેદાનમાં ઉતરી ત્યારે આવું જ દ્રશ્ય જોવા મળ્યું. જોકે,આ વખતે મામલો દેશભક્તિથી લઈને રામભક્તિ સુધી પહોંચી ગયો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોએ જોર જોરથી ઈન્ડિયા..ઈન્ડિયાથી લઈને જય શ્રીરામ..જય શ્રીરામના નારા લગાવ્યા હતા. ઘણા નેતાઓએ મેચના આ વીડિયોને ટ્વિટ કર્યા છે. મેચ પૂરી થઈ ગઈ છે પરંતુ હવે તેના પર રાજકારણ શરૂ થઈ ગયું છે.
તેની શરૂઆત આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કરી. તેમણે સૌથી પહેલા રામ ધૂન પર સ્ટેડિયમમાં નાચી રહેલા ભારતીય ક્રિકેટ ફેન્સનો વીડિયો ટ્વીટ કર્યો. આ પછી કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ તેમાં સામેલ થઈ ગયા. આ પછી સમગ્ર એક્સ અને ફેસબુક આવા વીડિયોથી ભરાઈ ગયું હતું. જોકે, ઈન્ડિયા ગઠબંધનના એકપણ નેતાઓએ આ વીડિયો શેર કર્યા નથી.
સ્ટેડિયમમાં જય શ્રીરામના નારા લગાવનારા દર્શકોને લઈ સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપનાર એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પાકિસ્તાની ખેલાડીઓની સામે જય શ્રી રામના નારા લગાવવા બદલ ભારતીય ક્રિકેટ ચાહકોને ઠપકો આપ્યો છે.