અમદાવાદના ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પાસે ગઈકાલે રાત્રે સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત કારમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવતીની વાત નીકળતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી હદે વધી ગઈ કે બંને મારામારી પર ઉતરી આવ્યા હતા.
આ દરમિયાન વેદાંતે ઉશ્કેરાઈને સ્વપ્નિલને કારમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. વેદાંતે મિત્ર સ્વપ્નિલની ઠંડે કલેજે હત્યા કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ જવાને બદલે કે તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે સીધો કારમાં સ્વપ્નિલના લોહીથી લથપથ મૃતદેહને લઈને સોલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.
જ્યાં પોલીસ સ્ટેશનની અંદર પ્રવેશીને પોતે હત્યા કરી હોવાનું અને મૃતદેહને સાથે લઈને આવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસ સ્ટેશનમાં અચાનક સન્નાટો છવાઈ ગયો હતો. સાથે જ પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
જે બાદ સોલા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી દીધો હતો. જ્યારે પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટના મામલે હત્યારાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે વેદાંતની પૂછપરછ બાદ સામે આવશે કે ખરેખર તેણે સ્વપ્નિલ પ્રજાપતિની હત્યા કયા કારણોસર કરી?