મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ને ગુજરાતમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ સ્વચ્છતા હી સેવા 2023 અભિયાનના બેનર હેઠળ સ્વચ્છ ભારત મિશન દ્વારા ગુજરાતના મહિલા સ્વસહાય જૂથોને તાલીમ આપીને સ્વચ્છતા અને પર્યાવરણીય જાગૃતિના ચેમ્પિયન બનાવવા માટેના સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. આ પ્રયાસો થકી ગુજરાતના 17, 425 મહિલા સ્વસહાય જૂથો સ્વચ્છતા ચેમ્પિયન્સ બન્યા છે. ત્યારબાદ આ મહિલા સ્વસહાય જૂથોએ ગ્રામ્ય વિસ્તારોના 4 લાખ ઘરો સુધી પહોંચીને સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવ્યું છે.
સ્વચ્છ ભારત મિશન –ગ્રામીણ દ્વારા સંચાલિત આ તાલીમનો ઉદ્દેશ મહિલાઓને સ્વચ્છતા જાળવવા અંગે જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરીને તેમને સશક્ત બનાવવાનો હતો જેથી તેઓ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી શકે. ઘન અને પ્રવાહી કચરાનું અસરકારક વ્યવસ્થાપન કરી શકે અને તેઓની સંબંધિત કોમ્યુનિટીમાં સેગ્રીગેશન શેડ્સની કામગીરીનું નિરીક્ષણ કરી શકે.
સ્વસહાય જૂથોની મહિલાઓને તાલીમબદ્ધ કરવા માટે તાલીમ સત્રોને ત્રણ મુખ્ય મોડ્યુલમાં વિભાજિત કરવામાં આવ્યા હતા, અને આ દરેક મોડ્યુલ સ્વચ્છતા હી સેવા 2023 અભિયાનના ચોક્ક્સ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
1) જાગૃતિને પ્રોત્સાહન: સ્વચ્છતા પ્રત્યે આપણી જવાબદારીની અંગેની ગહન સમજ કેળવવા માટે તાલીમ સત્રના સહભાગીઓએ સ્વચ્છતાનું મહત્વ અને ખુલ્લામાં શૌચની પ્રતિકૂળ અસરો અંગે એક સઘન વર્કશોપનું આયોજન કર્યું. તાલીમાર્થીઓને શીખવાડવામાં આવ્યું કે તેઓ શેરી નાટકો, પેમ્ફલેટ્સ અને કોમ્યુનિટી મીટિંગ્સ જેવા વિવિધ માધ્યમો દ્વારા તેમના સમુદાયમાં આ સંદેશાઓનો કેવી અસરકારક રીતે સંચાર કરી શકે છે.
2) ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન:મહિલાઓને કચરાના અલગીકરણ, કમ્પોસ્ટિંગ અને રિસાયક્લિંગ કોન્સેપ્ટનો પરિચય આપવામાં આવ્યો. તેઓને વિવિધ પ્રકારના કચરાને કેવી રીતે ઓળખી શકાય અને તેના સંગ્રહ, નિકાલ અને રિસાયક્લિંગ માટેની યોગ્ય પદ્ધતિઓ શીખવવામાં આવી હતી.
3) સેગ્રીગેશન શેડ્સનું સંચાલન: કચરાનું કાર્યક્ષમ અલગીકરણ સુનિશ્ચિત કરવા માટે સ્વસહાય જૂથના સભ્યોને તેમના સમુદાયોમાં સેગ્રીગેશન શેડની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તાલીમ આપવામાં આવી હતી. તેઓએ અલગીકરણની પ્રક્રિયા, તેના માટે જરૂરી સાધનો અને તેનો રેકોર્ડ રાખવાનું શું મહત્વ છે તે વિશે જાણકારી મેળવી હતી.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા સંચાલિત આ તાલીમ કાર્યક્રમે ફક્ત મહિલાઓને સશક્ત જ નથી કરી પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તનની એક લહેર પણ પ્રજ્વલિત કરી છે, જે આગામી વર્ષોમાં રાજ્યના ભવિષ્યને આકાર આપતી રહેશે. સ્વચ્છતા હી સેવા અભિયાન ગુજરાતના લોકો માટે જીવનનો માર્ગ બન્યું છે, જેનો શ્રેય સ્વચ્છતા ચેમ્પિયનમાં પરાવર્તિત થયેલા આ મહિલા સ્વસહાય જૂથોના અથાક પ્રયાસોને જાય છે.