ચંદીગઢના પેટ્રોલ કાપથી લોકોમાં એવી શંકા ફેલાઈ છે કે આગામી સમયમા પેટ્રોલ-ડીઝલ કાપ આવી શકે છે તેથી વાહનોની ટાંકીઓ ફૂલ કરાવવા માટે દેશભરના પેટ્રોલ પંપો પર લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. ટ્રક ડ્રાઈવરોની હડતાળની સૌથી વધારે અસર પંજાબના ચંદીગઢમાં થઈ છે અહીં તમામ પેટ્રોલ પંપોએ પેટ્રોલની ખરીદી સીમિત કરી નાખી છે. ચંદીગઢમાં ટુ-વ્હીલર 2 લિટર અથવા મહત્તમ ₹ 200ના ઇંધણ સુધી મર્યાદિત છે, જ્યારે ફોર-વ્હીલર 5 લિટર અથવા મહત્તમ મૂલ્ય ₹ 500 સુધી મર્યાદિત છે. સત્તાવાર નિવેદનમાં એવું જણાવાયું કે ફ્યુઅલ સ્ટેશન ઓપરેટરોને આ નિયમોનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે, અને ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ લાદવામાં આવેલા નિયંત્રણો સાથે સહકાર આપે.
જો ટ્રક ડ્રાઈવરોની હડતાળ ચાલુ રહી તો ગુજરાતના મોટા શહેરોમાં પણ ચંદીગઢવાળી થઈ શકે છે. અમદાવાદ, સુરત રાજકોટ જેવા શહેરોમાં પણ પેટ્રોલ કાપ આવી શકે છે. હીટ એન્ડ રનમાં 10 વર્ષની સજા અને દંડના કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. જો ડ્રાઈવર એક્સિડન્ટ કરીને ભાગી જાય તો તેવા કિસ્સામાં 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ થઈ શકે છે. ટ્રક ડ્રાઈવરોને આ વાતની સામે જ વાંધો છે. ટ્રક ડ્રાઈવરોનું એવું પણ કહેવું છે કે જો તેમની પાસે 7 લાખ હોય તો તેઓ ડ્રાઈવરની નોકરી ન કરતા હોત. ટ્રક ડ્રાઈવરોનું કહેવું છે કે તેમની આ ડિમાન્ડ વિચારવા લાયક છે.