Satya Tv News

પાટણ જિલ્લાના સમી પોલીસ મથકના પ્રોહીબિશન કેસમાં જાલમસિંહ ઝાલા આરોપી બન્યો હતો. જેથી અગાઉ પણ સમી પોલીસ આ ઈસમને દબોચી લેવા પહોંચી હતી જોકે તેનો કોઈ પત્તો ન લાગતા સમી પોલીસ પરત ગઇ હતી. જોકે સમી પોલીસે ઝીંઝુવાડા પોલીસને આરોપી ઉપર નજર રાખવા માટે કહ્યું હતું. આ દરમિયાન ઝીંઝુવાડા PSI કે.વી.ડાંગરને ચોક્કસ બાતમી મળી હતી કે, સમી પોલીસ મથકના પ્રોહીબિશન કેસમાં જાલમસિંહ ઝાલા હાલ મિત્રો સાથે જૈનાબાદમાં ક્રિકેટ રમી રહ્યો છે. જેથી PSI કે.વી.ડાંગર પોલીસ સ્ટેશનના 2 કર્મચારીઓ સાથે સાદા ડ્રેસમાં આરોપીને પકડવા જૈનાબાદ પહોંચ્યા હતા. જોકે અહીં PSIએ આરોપી જાલમસિંહને તેની જ ગાડીમાં ઉઠાવી દીધો હતો. જે બાદમાં તેઓ આરોપીની કારમાં જ પોલીસ મથક જવા રવાના થયા હતા. જોકે આરોપીના મિત્રોએ પોલીસ જાલમસિંહને પકડીને લઇ જતી હોવાના સમાચાર ગામમાં આપી દીધા હતા.

પોલીસ ગામમાં પહોંચી ત્યારે 25 થી 30 લોકોનું ટોળું ઊભું હતું. જે બાદમાં ઇસમોએ કાર આવતાની સાથે જ પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ સાથે ઇસમોએ PSI કે.વી.ડાંગરને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ તરફ PSIની સાથે રહેલા 2 પોલીસ કર્મીઓ પણ ટોળાના મારથી ઘાયલ થયા હતા. આ બધાની વચ્ચે આરોપી ઈસમ તકનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.આ તરફ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ પોલીસ કર્મીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો PSIને ગંભીર ઇજાઓ પહોંચતા તેમણે વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ ઉપર હુમલો અને બુટલેગરને ભગાડી જવા મામલે ઝીંઝુવાડાના 26થી વધુ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈ ડીવાયએસપી જે.ડી.પુરોહિતે જણાવ્યું હતું કે, આરોપી જાલમસિંહ ઝાલા અગાઉ ઝીંઝુવાડાના ઘણા ગુનાઓમાં પકડાયેલો છે અને ખુબ માથાભારે શખ્સ છે. એની વિરૂધ્ધમાં રાયોટિંગ અને ધાડ જેવા ગુન્હાઓ પણ દાખલ થયેલા છે. સમીના દારૂના કેસમાં તેને પકડવા જતા આ હુમલાની ઘટના બની છે. આરોપીને પકડવા માટે પોલીસ ટીમે રવાના કરવામાં આવી છે.

error: