Satya Tv News

એનઆરઆઈ પટેલ પરિવારના સભ્યોને સુરતના જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે મનમોહક આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકી છે. નિમિષા પારેખ મહેંદી કલ્ચરના કો-ફાઉન્ડર છે અને દેશ-વિદેશમાં મહેંદી ડિઝાઇન ક્ષેત્રે એક આગવી ઓળખ ધરાવે છે. સુરતના પટેલ પરિવારે પુત્રી જાસ્મીનના લગ્નપ્રસંગે આકર્ષક ડિઝાઇનની લેટેસ્ટ થીમ આધારિત મહેંદી મુકવાનો આગ્રહ કરતાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવની થીમ પર મહેંદી મુકવાનો આઇડિયા ઉદ્ભવ થયો. જેમ ભગવાન રામના અયોધ્યા આગમન વખતે અનેરા ઉત્સાહનો સમય હતો તેવી જ રીતે મહેંદીના રંગ અને ડિઝાઇનને જોઇ મન ખુશીથી ઝુમી ઉઠે તેવી અને અનેરા ઉત્સાહની પ્રતીતી થાય તે રીતે મહેંદીની ડિઝાઇનની થીમ તૈયાર કરવામાં આવી. નિમિષા પારેખે પટેલ પરિવારની પુત્રી માટે અનોખી બ્રાઇડલ મહેંદીની થીમ તૈયાર કરી છે. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પરિવાર સાથે અને અનેક દેવી દેવતાઓ પ્રસંગમાં હાજરી આપવા આવતા હોય તેમજ મંદિરના વિભિન્ન દ્રશ્યો તેવી રીતે ખુશીના ઉત્સવ સાથેની વારલી આર્ટ સાથે મહેંદી મુકવામાં આવી છે, જે જોતા જ મંત્રમુગ્ધ થઇ જવાય છે. પટેલ પરિવારના 65 જેટલાં સભ્યોએ હાથ પર “જય શ્રી રામ” અને “સીતા રામ” લખેલી અને આબેહૂબ ઉત્સવનો માહોલ હોય તેવી અવનવી આકર્ષક ડિઝાઇનની મહેંદી મુકાવી છે.

મહેંદી આર્ટ ક્ષેત્રે નિમિષા પારેખ પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેઓ અમેરિકામાં 350થી વધારે મહેંદી આર્ટિસ્ટોને તાલીમ આપી ચૂક્યા છે. તેઓ દેશના આર્ટ અને કલ્ચરને મહેંદી દ્વારા રિપ્રેઝન્ટ કરે છે. તેઓ હંમેશાંથી ટ્રેન્ડમાં હોય તેવી મહેંદી મુકવાને બદલે કંઈક યુનિક કરવાનો પ્રયત્ન કરે છે અને હંમેશાં પોતાના આર્ટમાં મિની ટ્રેન્ડ ક્રિએટ કરે છે.

error: