જૂનાગઢનાં ભવનાથ જતા માર્ગ ઉપર વાઘેશ્વરી માતાનું મંદિર આવેલું છે. જૂનાગઢ અને રાજ્યના ભાવિકો માટે વાઘેશ્વરી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. લોકોની ધાર્મિક માન્યતાઓ અનુસાર માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયાં હતાં. અને આ સ્થળે હાલ મોટી વાઘેશ્વરી મંદિર આવેલું છે. વર્ષની ચારેય નવરાત્રીમાં અહીં મોટી સંખ્યામાં ભાવિકો સવાર અને સાંજ આરતીમાં જોડાય છે અને ગરબા રમી માતાજીની આરાધના કરી ધન્ય બને છે. પણ શું તમે જાણો છો કે આ મંદિર 700થી વધારે વર્ષ જૂનું છે?

જુનાગઢ એટલે કે ચારેય બાજુ હરિયાળી…જાણે ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી હોય. અને આ લીલાછમ હરિયાળા ડુંગરો વચ્ચે બિરાજે છે માં વાઘેશ્વરી! 700 વર્ષ જૂનું પૌરાણિક માં વાઘેશ્વરીનું મંદિર જૂનાગઢ ભવનાથ જતા રસ્તામાં આવે છે. પહેલાં માતાજીનું આ મંદિર 200 પગથિયાં પર હતું. આશરે 200 વર્ષ પહેલાં નીચે બીજુ મંદિર બનાવી માતા વાઘેશ્વરીની ત્યાં પણ સ્થાપના કરવામાં આવી.
અતિ પૌરાણિક માતા માં વાઘેશ્વરીનું આ મંદિર રાજા રજવાડા સમયનું છે. માન્યતા અનુસાર અહીં માતા વાઘેશ્વરી સ્વયં પ્રગટ થયાં હતાં. લોકવાયકા છે કે રા’ નવઘણ તથા રાણકદેવી પણ માં વાઘેશ્વરીના દર્શન માટે આવતા હતાં ત્યારે માતાજી ઉપલા વાઘેશ્વરી ખાતે પ્રગટ થઈ બિરાજમાન હતા.
ભાવિકભક્તોમાં વૃદ્ધો અને બાળકો ઉપલા વાઘેશ્વરી સુધી પહોંચી દર્શન કરી શકતા ન હોવાથી માતાજીને વિનવણી બાદ નીચે બીજું મંદિર બનાવી તેમની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. હાલ નીચલા મંદિરે દરેક લોકો માતાજીના ભાવ પૂર્વક દર્શન કરી શકે તેવી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આસો મહિનામાં નવમાં નોરતામાં માતાજીને સુંદર આભુષણ અને વસ્ત્રો ધરાવી શણગાર કરવામાં આવે છે. માં ના દર્શને આવતા ભાવિકો ચોકમાં ગરબા રમે છે .અને આઠમના દિવસે હવન પણ કરવામાં આવે છે.
દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતી માં વાઘેશ્વરીના ચરણોમાં દૂરદૂરથી ભાવિકો દર્શને આવે છે. માં વાઘેશ્વરીના દર્શને આવતા દર્શનાર્થીઓ મંદિરમાં નવગ્રહના પણ દર્શન કરી શકે છે. સ્કંદપુરાણ ઉલ્લેખ પ્રમાણેમાં વાઘેશ્વરીનું મંદિર 700 વર્ષથી વધારે જૂનું મંદિર છે. ભાવિકો વર્ષના ચારેય નોરતા અને રવિ, મંગળ, ગુરુવાર દરમ્યાન માતાજીની આરાધના કરવા દૂરદૂરથી આવે છે. અનેક માનતા અને શ્રદ્ધા સાથે આવતા દર્શનાર્થીઓ નીચલા મંદિરેથી રળીયામણા હરિયાળા પર્વતની વચ્ચે ઉપલા મંદિરને નિહાળી દર્શનનો લાભ લઈ શકે છે. માતાજીની શ્રદ્ધા અને આસ્થાને લઇ પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ વાઘેશ્વરી માતાજીના મંદિરમાં પૂનમ ભરવા આવે છે. અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માતાજીને પ્રાથના કરે છે.