કર્ણાટકના બેલગામીમાં અલગ અલગ ધર્મના ભાઈ બહેનને જતાં જોઈને લોકોને લાગ્યું કે આ લવ જેહાદનો કેસ છે અને 17 જેટલો લોકોએ ભેગા થઈને તેમના પર તૂટી પડ્યાં હતા અને તેમને કલાકો સુધી માર માર્યો હતો. ટોળાનો માર ખાઈને બન્ને અધમૂઆ થઈ ગયા હતા. પિતરાઈ ભાઈ બહેન બેલાગવીમાં કર્ણાટક સરકારના યુવા ભંડોળમાં અરજી કરવા માટે આવ્યા હતા. સર્વરની તકલીફને કારણે વિલંબ થયો હતો, જે બાદ બંને નજીકના તળાવમાં ગયા હતા. યુવતીની ઉંમર 24 અને યુવકની ઉંમર 21 વર્ષ જણાવવામાં આવી રહી છે. બંને યમણાપુર ગામના રહેવાસી છે. કેટલાક લોકોએ તેમને ફોર્ટ લેક નજીકના શેડમાં ખેંચી ગયું અને તેમને 3 કલાક સુધી માર માર્યો હતો. બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને બીઆઈએમએસમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે 17માંથી 9 લોકોની ધરપકડ કરી છે. જેમાં 2 સગીર પણ છે. રિપોર્ટ મુજબ પોલીસનું કહેવું છે કે યુવતીના માતા-પિતા અલગ અલગ ધર્મના છે. યુવતી અને યુવકની માતા બહેનો છે. પોલીસનું કહેવું છે કે, બંનેએ ભીડને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ કોઇએ સાંભળ્યું નહીં અને લડતા રહ્યા.
.
મારપીટ દરમિયાન યુવતીએ પોતાના સંબંધીને પણ ફોન કરીને તેઓ પિતરાઈ ભાઈ-બહેન હોવાનું સમજાવવા કહ્યું હતું. જોકે, અહીં ભીડે કંઈ જ સાંભળ્યું નહીં અને મારપીટ કરતી રહી. યુવકના સંબંધીએ તેને ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો. બાદમાં યુવકના માતા-પિતાએ 112 પર જાણ કરી હતી. અહીં યુવકના સંબંધીઓ પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંનેની ચીસો સાંભળી હતી.