
ભરૂચ તાલુકાના મનુબર ગામના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે જેથી પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ગત રોજ રાત્રિના સમયે આફ્રિકા ખંડના સ્વાઝીલેન્ડ દેશમાં રહેતાં અને પોતાના કોઈ સ્વજનને જૉહનીસબર્ગ એરપોર્ટ પર ડ્રોપ કરીને પરત ઘરે ફરી રહેલ મૂળ ભરૂચ તાલુકાના મનુબર ગામના અને વર્ષોથી ધંધા રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકા સ્થાયી થયેલા 52 વર્ષીય ઇલ્યાસ પટેલ, તેમનો પુત્ર 16 વર્ષીય મોહમ્મદ માઝ પટેલ અને 13 વર્ષની પુત્રી મુસ્કાન પટેલ તેઓની કાર નંબર NSD 818CH ને એક બસ સાથે ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો.સદર અકસ્માતમાં કારમાં સવાર પિતા પુત્ર તથા પુત્રીના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે સંતાનોની માતા અને મૃતક ઇલિયાસ ભાઈના પત્ની પાસે દક્ષિણ આફ્રિકાના વિઝાના હોવાથી તેઓ પોતાના સ્વાઝીલેન્ડ સ્થિત નિવાસ સ્થાને એકલા રોકાયા હતા. જેઓ પરિવારમાં એકલા બચી ગયા હતા.

મનુબર ગામના સરપંચ મુબારક પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણેવ મૃતકોની દફનવિધી સ્વાઝીલેન્ડ ખાતે જ કરવામાં આવશે. અને પરિવાર વર્ષોથી પરદેશમાં સ્થાયી થયો હોય, હાલ માદરે વતન મનુબરમાં તેઓના કોઈ સ્વજનો કે સગા સબંધી રહેતા નથી. જોકે બનાવ અંગેની જાણ થતાં સમગ્ર મનુબર ગામમાં ગમગીની સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.