વડોદરા શહેરમાં રવિવારે આગની ત્રણ ઘટનાઓનો ઘટી હતી. જે પૈકી સવારે 11:45 વાગ્યે પાણીગેટ નજીક ગોલવાડમાં ધર્મેશ ચુનાવાલાના મકાનમાં સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો. જેની આગને ફાયર બ્રિગેડ ઓલવી રહ્યું હતું. ત્યારે જ વધુ એક સિલિન્ડર બ્લાસ્ટ થતા આગની જ્વાળાઓ બોમ્બ બ્લાસ્ટ જેવી બહાર સુધી ફેલાઈ હતી. જેના પગલે મકાનનો ઉપરનો ભાગ તૂટી પડ્યો હતો.
ફાયર બ્રિગેડ મુજબ ગોલવાડમાં રહેતા ધર્મેશનું ગ્રાઉન્ડ ફોર અને ઉપરના માળે પતરાવાળુ મકાન છે. ગ્રાઉન્ડ ફ્લોર પર તેમના કાકી અંબા રહે છે. રવિવારે સવારે તેમણે ફાયર બ્રિગેડને જણાવ્યુ મુજબ તેઓ ઘરમાં દીવો પ્રગટાવી બહાર નીકળ્યા દરમિયાન ઉપરના મજલે આગ લાગી હતી. બનાવ અંગે સ્થાનિક રાજેશભાઈ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ ઓલવવાની ચાલુ હતી ત્યારે ઉપરના માળે પ્રચંડ ધડાકા સાથે વધુ એક સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાંતફરી સર્જાઇ હતી. બારીમાંથી બહાર આવતી જ્વાળાઓ મુખ્ય માર્ગેથી દેખાતાં નાગરિકો ગભરાયા હતા.
ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવી લેવાતા જાનહાની થઈ નથી. ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું કે, મકાનમાં ત્રણ સિલિન્ડર હતા. અને દીવાને બદલે સિલેન્ડર બ્લાસ્ટને કારણે મકાનમાં આગ લાગી હોય જેમ જણાય છે સિલેન્ડર બ્લાસ્ટ થયેલી હાલતમાં પડેલો હતો.
સલાટવાડાની મહેતાવાડી પાસે રહેતા પૂર્વ કોર્પોરેટર રાજાના મકાનમાં દીવાને પગલે આગ લાગી હતી. જેમાં ઘરમાં રાખેલા ફટાકડા ફૂટતાં દોડધામ મચી હતી. બનાવની જાણ થતા દોડી ગયેલા ફાયર બ્રિગેડના લાશકરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે માંજલપુરની ઓશિયન પિઝાની શોપમાં ફ્રેન્ચફ્રાઈનું મશીન ઓવર હિટીંગથી સળગી ઉઠતા ફાયર બ્રિગેડ બોલાવાઇ હતી. જો કે તે પહોંચે તે પહેલાં જ આગ પર કાબુ મેળવાયો હતો.