શુભમન ગિલ માટે વર્ષ 2023 ખૂબ જ શાનદાર રહ્યું છે. તે આ વર્ષે સૌથી સફળ ODI ક્રિકેટર પણ હતો. આ એક કેલેન્ડર વર્ષમાં ગીલે ODI ફોર્મેટમાં 5 સદી ફટકારી હતી. ઉપરાંત, આ જ વર્ષે, ગીલે ODIમાં સૌથી ઝડપી 2 હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગિલ 2023માં કુલ 29 ODI મેચ રમ્યો, જેમાં તેણે 63.36ની શાનદાર એવરેજથી 1584 રન બનાવ્યા. આ દરમિયાન ગિલે 5 સદી અને 9 અડધી સદી ફટકારી હતી. આ વર્ષે ગિલનો વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 208 રન છે. જ્યારે તેના પછી વિરાટ કોહલી (1377) અને રોહિત શર્મા (1255)નું નામ આવે છે. ત્રણેય ફોર્મેટમાં (ટેસ્ટ, ODI, T20), શુભમન ગિલ 2023માં કુલ 48 મેચ રમ્યો, જેમાં તેણે 46.54ની એવરેજથી 2154 રન બનાવ્યા. તેના પછી કોહલીનું નામ આવે છે જેણે 35 મેચમાં 66.06ની એવરેજથી 2048 રન બનાવ્યા હતા. બોલિંગ પર નજર કરીએ તો રવિન્દ્ર જાડેજાએ ત્રણેય ફોર્મેટમાં 35 મેચ રમી અને 66 વિકેટ લીધી. જ્યારે શમીએ 56 વિકેટ લીધી હતી.
મયંક અગ્રવાલ અને સરફરાઝ ખાનને પણ વિશેષ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. સરફરાઝને 2021-22માં રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવા બદલ માધવરાવ સિંધિયા એવોર્ડ મળ્યો છે. જ્યારે મયંકને 2022-23 સીઝન માટે અને રાહુલ દલાલને 2019-20 સીઝન માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.2021-22 માટે ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને આપવામાં આવ્યો હતો. ઉપરાંત BCCIએ 2019-20 માટે ફારુક એન્જિનિયરને કર્નલ સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો છે.