આ ઘટના 24મી જાન્યુઆરીની છે. પોલીસે જણાવ્યું કે તેમને લગભગ 3.30 વાગ્યે ફિલિપ આઇલેન્ડ પર લોકોના ડૂબવાની માહિતી મળી હતી. માહિતી મળતા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણ મહિલાઓ અને એક યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી તમામને CPR આપીને ભાનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્રણને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં બે મહિલા અને એક યુવકની ઉંમર 20 વર્ષની આસપાસ અને એક મહિલા 40 વર્ષની હતી. બધા એક જ પરિવારના છે. ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક મહિલા બેભાન હતી જેને એરલિફ્ટ કરીને મેલબોર્નની આલ્ફ્રેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, મૃતકોમાંથી ત્રણ ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા, જ્યારે 40 વર્ષીય મહિલા રજાઓ ગાળવા ઓસ્ટ્રેલિયા આવી હતી.
વિક્ટોરિયાનો ફિલિપ આઇલેન્ડ તેના ગુફાવાળા દરિયાકિનારા માટે પ્રખ્યાત છે. અહીં દરિયાની નીચે ગુફાઓ છે, પરંતુ સ્થાનિક લોકો તેને ખતરનાક માને છે કારણ કે અહીં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી અને અહીં લાઈફગાર્ડ પેટ્રોલિંગની કોઈ વ્યવસ્થા નથી.