મૂળ દાહોદ અને હાલ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ સુઝુકી શો-રૂમની પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા રાજેશ માનિયા ભાભોર ગતરોજ સાંજના સમયે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે મોબાઈલ રિપેરિંગ કરવા માટે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે ગયા હતા.જેઓ પરત ત્યાંથી પોતાના ઘરે આવી રહ્યા હતા.તે દરમિયાન વાલિયા ચોકડી પાસે આવેલ આનંદ હોટલ પાસે જી.આઈ.ડી.સી. તરફ જવાના માર્ગ ઉપર સાઈડ પર બેસી રાજેશ ભાભોર અને તેનો ત્રણ વર્ષીય પુત્ર અશ્વિન પાણીપુરી ખાઈ રહ્યા હતા તે વેળા વાલિયા જતાં માર્ગ ઉપરથી એકદમ પુરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર-જી.જે.06.વી.વી.6925ના ચાલકે પિતા-પુત્રને ટક્કર મારતા ત્રણ વર્ષીય અશ્વિન ભાભોર ટેન્કરના ટાયર નીચે આવી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.જ્યારે પિતાનો આબાદ બચાવ થયો હતો.અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોસમડી,ગોપાલ નગર તેમજ પાનોલી તરફથી પાણી ભરી આવતા ટેન્કરોના ચાલકો ગફલત ભરી રીતે વાહનો હંકારતા હોવાની બૂમો પણ ઉઠવા પામી છે.ત્યારે પોલીસ વિભાગ આ ટેન્કરો સામે પણ કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.