ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરઝની પહેલી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. હાલમાં ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમત ચાલી રહી છે અને ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં રવિન્દ્ર જાડેજાના રૂપમાં ભારતને 8મો ફટકો લાગ્યો છે. આ વિકેટ સાથે જો રૂટે તેની ટીમને એક મોટી સફળતા અપાવી હતી. જાડેજાના આઉટ થયા બાદ રૂટે બીજા જ બોલ પર બુમરાહને આઉટ કર્યો અને તે સતત બે બોલમાં બે વિકેટ લઈને હેટ્રિક સુધી પહોંચી ગયો. જોકે, રૂટ તેની હેટ્રિક પૂરી કરી શક્યો નહોતો. મોહમ્મદ સિરાજે તેની હેટ્રિક બોલ પર સારો બચાવ કર્યો હતો. આ મેચમાં રૂટે અત્યાર સુધી ચાર વિકેટ ઝડપી છે.
આ દરમિયાન જાડેજાની વિકેટને લઈને સોશિયલ મીડિયા પર હાલ હોબાળો મચ્યો છે. વાત એમ છે કે જાડેજા રૂટની બોલ પર ડિફેન્સીવ શૉટ રમવા જઈ રહ્યો હતો પરંતુ તે શૉટ મિસ કરી ગયો અને એ બોલ બેટ અને પેડ સાથે ટકરાઇ હતી. એ બાદ ઓન ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. આ બાદ જાડેજાએ રિવ્યુ લીધો હતો. પરંતુ થર્ડ અમ્પાયર પણ મુંઝવણમાં હતા કે બોલ પેડ પર પહેલા લાગ્યો કે બેટ પર.. આ બાદ ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય માન્ય રાખવામાં આવ્યો હતો. જો કે સોશિયલ મીડિયા પર લોકોનું માનવું છે કે જાડેજા એ સમયે આઉટ નહતો અને બોલ પહેલા બેટ પર લાગી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ભારતનો પ્રથમ દાવ 436 રન પર સમાપ્ત થયો હતો. આ પહેલા ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા હતા. હાલ ઈંગ્લેન્ડ તેણી બીજી ઇનિંગ રમી રહી છે.