ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ 2 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. એવું કહેવાય છે કે પાછલા વર્ષોની સરખામણીમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. લોકસભા ચૂંટણી પહેલા આયોજિત આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમ્યાન 26 બેઠકો યોજાશે. બજેટમાં મહિલાઓ, યુવાનો અને નોકરીયાત લોકો માટે મહત્વની જાહેરાતો થઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
રાજ્યના સંસદીય બાબતોના મંત્રી કમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ સત્રમાં સરકાર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરશે. તેમણે કહ્યું કે પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સંબોધન થશે. બીજા દિવસે બજેટ રજૂ થશે જે આગામી 25 વર્ષના રોડ મેપ સાથેનું બજેટ હશે જેમાં સરકારનું વિઝન જોવા મળશે. 3 ફેબ્રુઆરીણા રોજ બજેટ રજૂ કરવામાં આવશે અને માનવામાં આવી રહ્યું છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. એ વાત તો જાણીતી જ છે કે ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી બજેટમાં સતત વધારો કરી રહી છે જેનો લાભ લોકોને સીધો મળી રહ્યો છે. એવામાં હવે માનવામાં આવે છે કે આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારે સંપૂર્ણ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.