નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2024-25નું બજેટ રજૂ કરી રહ્યાં છે. તેમણે કરદાતાઓનો આભાર માન્યો છે. સરકારે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. 7 લાખ સુધીની કમાણી કરનારાઓ માટે કોઈ કર જવાબદારી નથી.ભારતમાં વ્યક્તિની આવક પર લાદવામાં આવતા કરને આવકવેરો અથવા ઇન્કમ ટેક્સ કહેવામાં આવે છે. આ ટેક્સ સ્લેબ સિસ્ટમ મુજબ લાગુ કરવામાં આવે છે. ઓછી આવક ધરાવતા લોકોએ નીચલા સ્લેબ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે વધુ આવક ધરાવતા લોકોએ ઊંચા સ્લેબ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડે છે. આ સ્લેબમાં સમયાંતરે ફેરફારો થતા રહે છે. સામાન્ય રીતે આ ફેરફારો બજેટ સમયે થાય છે.
વોટ ઓન એકાઉન્ટમાં કોઈ મોટી નીતિની જાહેરાત કરવામાં આવતી નથી. 2019 ના વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગને આકર્ષવા માટે, સરકારે 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવકને આવકવેરામાંથી મુક્તિ આપી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા રોકડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. વચગાળાનું બજેટ એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના માટે કેન્દ્ર સરકારના જરૂરી ખર્ચને પહોંચી વળવા એડવાન્સ ગ્રાન્ટ માટે સંસદની મંજૂરી માંગે છે. એપ્રિલ/મેમાં સામાન્ય ચૂંટણીઓ પછી ચૂંટાયેલી નવી સરકાર કદાચ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આદર્શ આચારસંહિતા લાગુ થયાના થોડા અઠવાડિયા પહેલા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે.