ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળના ત્રણ જજોએ ચૂંટણીનો વીડિયો જોઈને રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ પર ભડક્યાં હતા અને બોલ્યાં કે આ લોકશાહીની મજાક, છે, લોકશાહીનું મર્ડર છે. ચીફ જસ્ટિસે પૂછ્યું કે શું આ રિટર્નિંગ ઓફિસર આ રીતે ચૂંટણી કરાવે છે? મહેરબાની કરીને રિટર્નિંગ ઓફિસરને કહો કે સુપ્રીમ કોર્ટ તેમના પર નજર રાખી રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે પ્રિસાઇડિંગ ઓફિસરે બેલેટ પેપર્સ બગાડ્યા છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. ત્રણ જજની બેન્ચે નિર્દેશ આપ્યો કે ચંદીગઢ મેયરની ચૂંટણીનો સમગ્ર રેકોર્ડ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલની કસ્ટડીમાં જપ્ત કરવામાં આવે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, 7મી ફેબ્રુઆરીની મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક આગામી આદેશો સુધી સ્થગિત રહેશે.
સુપ્રીમ કોર્ટ આમ આદમી પાર્ટીના કાઉન્સિલર કુલદીપ કુમારની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચંદીગઢ મેયરની ચૂંટણીના પરિણામ પર તાત્કાલિક સ્ટે આપવાના ઇનકાર સામે સુનાવણી કરી રહી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચંદીગઢ મ્યુનિસિપલના મેયર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 30 જાન્યુઆરી 2023ના દિવસે ચંદીગઢ મેયરની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું જેમાં ગજબનો ખેલ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ અંધાધૂંધી વચ્ચે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. સંખ્યાબળના મામલે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી પાછળ હતો તેના હાથમાં 15 વોટ જ હતા અને આટલા વોટમાં મનોજ સોનકર 15 મતોથી ચૂંટણી જીત્યા હતા અને ચંદીગઢ શહેરના આગામી મેયર તરીકે ચૂંટાયા હતા. ચંદીગઢ મેયરની ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરોએ હંગામો શરૂ કરી દીધો હતો. ગણિત પક્ષમાં હોવા છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો.