બંગાળ ભાજપ અધ્યક્ષ હિંસાના વિરોધમાં થયેલી ધક્કામુક્કીમાં બેભાન થયાં હતા અને તેમને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતા. બંગાળ ભાજપ અધ્યક્ષ સુકાંત મજમૂદાર સંદેશખલી હિંસાનો વિરોધ કરવા જઈ રહ્યા હતા ત્યારે ગાડીમાંથી ઉતરતાં તેમની સાથે ધક્કામુક્કી થઈ હતી અને તેઓ નીચે પડી ગયા હતા જેમાં તેઓ બેભાન થયા હતા. સુકાંત મજમૂદારને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ સાથેની અથડામણમાં તેઓ ઘાયલ થયાં હતા. અહીં પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આરોપ છે કે આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. બસીરહાટમાં ઘાયલ થયા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા પરંતુ પરિસ્થિતી ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે કોલકાતા લઈ જવાયા હતા. મજમૂદારે એવો આરોપ લગાવ્યો હતો કે બંગાળ પોલીસે તેને ઉત્તર 24 પરગણા જિલ્લાના અશાંત સંદેશખલીમાં જતા અટકાવવા માટે તેમની લોજની ઘેરાબંધી કરી હતી. મજમૂદારે બપોર પછી વિરોધીઓને મળવા સંદેશખલી જવાની જાહેરાત કરી હતી. ભાજપના નેતાઓને રોકવા માટે અહીં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શાંતિ જાળવવા માટે સંદેશખલીના કેટલાક ભાગોમાં સીઆરપીસીની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.