સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાળક રમતી વખતે શું કરે છે તેનું ચોક્કસપણે ધ્યાન રાખવું તે માતા-પિતાની પ્રાથમિક જરૂરત હોવી જોઈએ. જેમાં પુણાગામ વિસ્તારમાં માતા-પિતાની આંખ ખોલતો બનાવ સામે આવ્યો છે. જેમાં 1 વર્ષના નાનાભાઈના પ્રથમ જન્મદિવસની ઉજવણી માટે 5 વર્ષનો મોટોભાઈ ફુગ્ગા સાથે રમી રહ્યો હતો. રમત રમતમાં ફુગ્ગો ફૂલાવતી વખતે તે ફુગ્ગો શ્વાસ નળીમાં ફસાઈ જતાં 5 વર્ષના કર્મનું મોત નિપજ્યું હતું. નાનાભાઈનો જન્મ દિવસ મોટાભાઈની પુણ્યતિથિ બની ગઈ હતી. જેને કારણે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
મળેલી માહિતી મુજબ, મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના વતની વિમલભાઈ મનસુખભાઈ ડોબરીયા હાલ પુણાગામ કેનાલરોડ ખાતે આવેલ કેવલ પાર્કની બાજુમાં શ્રીરામકૃપા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. વિમલભાઈ પર્વત પાટીયા કબૂતર સર્કલ પાસે સાડી પોલીસ માટેના મશીનનું ખાતું ધરાવે છે. વિમલભાઈના સંતાન પૈકી 5 વર્ષનો કર્મ સી.કે.જી માં અભ્યાસ કરતો હતો. 27 જાન્યુઆરીના રોજ વિમલભાઈનો સૌથી નાનો દીકરો દર્ષિલનો પ્રથમ જન્મદિવસ હતો. જેથી પરિવારે ઘરમાં તેના જન્મદિવસ ઉજવણી માટે પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. સાંજે 5 વાગ્યાના સુમારે પરિવાર ઘરમાં ફુગ્ગા ફુલાવી તેનું ડેકોરેશન કરી રહ્યો હતો. તે દરમિયાન મોટોભાઈ કર્મ ફુગ્ગો ફુલાવી, પાછી હવા કાઢી અને પાછો ફુલાવી એમ કરીને નાનાભાઈ દર્ષિલને રમાડી રહ્યો હતો. ત્યારે અચાનક ફુગ્ગાનો એક ભાગ તૂટીને કર્મના ગળામાં ફસાઈ ગયો હતો. જેથી કર્મ તેના પપ્પા બોલાવવા માટે ગયો હતો અને પપ્પા સાથે વાત કરતા કરતા તે ઊંડો શ્વાસ લેવા લાગ્યો હતો. જેથી ફુગ્ગાનો ટુકડો ગળાનાં નીચે ઉતરી શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો. તેથી કર્મ બેભાન થઈ ગયો હતો. પરિવારે ઘરમાં તેને સીપીઆર આપવાની સાથે તેની પીઠ ઠોકવા લાગ્યા હતા. પરંતુ તેને હોંશ નહિ આવતા પરિવાર તેને ઘરની પાસે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને દોડ્યા હતા. હોસ્પિટલમાં કર્મને આઇસીયુ તેમજ વેન્ટિલેટર ઉપર લઈ સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.