ગુજરાતમાં સોમનાથ મહાદેવ બાદ આ બીજા નંબરનું સૌથી મોટું મંદિર છે. શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ એમ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવનું મંદિર અહિંયા બની ચુક્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા 10-12 વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું છે. લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારતકાળથી પૂજા થતી આવી છે. અહિંયા દરેક જાતિ અને સમુદાયના લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે. વર્તમાન યુગમાં બંસીપહાડ પથ્થર અને નાગરશૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.
વડાપ્રધાન મોદી હેલિપેડ પર ઉતર્યા બાદ મંદિર સુધી રોડ શો કરશે અને પછી ખુલ્લી જીપમાં બેસીને સભાસ્થળે પહોંચશે અને લોકોનું અભિવાદન ઝીલશે. તે માટે ડોમ વચ્ચે ખાસ પેસેજ પણ તૈયાર કરાયો છે. આ દરમિયાન વડાપ્રધાન 8 હજાર કરોડથી વધુના કેન્દ્ર અને ગુજરાતના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરવાના છે. આજના કાર્યક્રમ માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ ભક્તો દર્શનાર્થે સરળતાથી પહોંચી શકે તે માટે 400 સરકારી બસો અને 100 ખાનગી બસોની વ્યવસ્થા કરાઇ છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પ્રાણ પ્રતિષ્ઠા 22 ફેબ્રુઆરી સુધી ચાલશે.