Satya Tv News

ફેસબુક ઉપર મોંઘા રમકડાં માત્ર 389 રૂપિયામાં વેચાણની જાહેરાત મૂકી ઓનલાઇન મની ટ્રાન્સફર મેળવી ડિલિવરી નહિ કરતી ટોળકીને વરાછા પોલીસે દબોચી લીધી હતી. નાની રકમમાં છેતરાઈ જનાર પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોવાથી આ ટોળકી પોલીસ કાર્યવાહીથી બચવા માટે નાની-નાની રકમની છેતરપિંડી કરતી હતી. ટોળકીના ફેડરલ બેન્કના એકાઉન્ટમાંથી પોલીસને 13.86 લાખનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું હતું.

વરાછા મારુતિ ચોકના ઉમિયા કોમ્પ્લેક્સમાં રહેતાં અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં 26 વર્ષીય સાગર જોષીએ ફેસબુક ઉપર જાહેરાત જોઈ હતી. માત્ર 389 રૂપિયામાં મોંઘી રમકડાંની કાર મળતી હોવાથી આ યુવકે ચોથી જાન્યુઆરીએ તેમાં ઓર્ડર પ્લેસ કરી પેટીએમથી શ્યામ એન્ટર પ્રાઇસ નામની યુ.પી.આઈ. આઈ. ડી.માં ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું. જોકે આ નાણાં ચૂકવવા છતાં પણઓર્ડર બુક બતાવતો ન હતો. થોડા સમયમાં આ વેબસાઈટ જ બંધ થઈ જતા મામલો શંકાસ્પદ લાગ્યો હતો. યુવકે વરાછા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગાબાણીએ આ પ્રકરણને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરતાં મોટું રેકેટ બહાર આવ્યું હતું.

નિખિલ હસમુખ સાવલિયા, અવનીક ભરત વઘાસિયા, લક્ષંત ઉર્ફે ભૂરિયો પંકજ ડાવરા છેતરપિંડીને અંજામ આપતા હતા. ટોળકીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપીઓની કબૂલાત પ્રમાણે તેઓ સસ્તામાં રમકડાં વેચવાની જાહેરાત મૂકી લોકોને છેતરતા હતા. નાણાં મેળવી લઈ કોઈ પણ પ્રકારની ડિલિવરી કરતા ન હતા. ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે જો મોટી રકમની છેતરપિંડી કરવામાં આવે તો લોકો પોલીસ મથકે ફરિયાદ કરી શકે તેવી શંકા હતી. આ માટે નાની રકમની છેતરપિંડી કરવામાં આવે તો લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળતાં હોવાથી નાની નાની રકમની છેતરપિંડી કરતા હતા. પૈસા પડાવી આ ત્રિપુટીએ લાખો રૂપિયા ભેગા કર્યા હતા. આ ટોળકી દ્વારા છેતરાયેલા લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

error: