કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે બુધવારે નવો વિવાદ સર્જ્યો છે. બીકે હરિપ્રસાદે કહ્યું કે, પાકિસ્તાન ભાજપ માટે દુશ્મન દેશ હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસ તેને માત્ર પાડોશી દેશ માને છે. આ અંગે ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસ પર દેશ વિરોધી ભાવનાઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે, હરિ પ્રસાદે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે કર્ણાટકમાં ભાજપે રાજ્યસભા ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસના ઉમેદવાર પર પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો આરોપ લગાવ્યો છે. આ તરફ કોંગ્રેસના નેતાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપે તેના પર પોસ્ટ કર્યું કે, પાકિસ્તાનને ભાજપ માટે દુશ્મન અને કોંગ્રેસ માટે પાડોશી ગણાવીને સ્પષ્ટ કરી દીધું છે કે, જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી ઝીણા વચ્ચેનો ગાઢ સંબંધ વર્તમાન પેઢી સુધી પણ જળવાઈ રહ્યો છે.
ભાજપે આરોપ લગાવ્યો છે કે, મંગળવારે રાત્રે કોંગ્રેસના કાર્યકરો રાજ્યસભાની ચૂંટણીમાં સૈયદ નાસિર હુસૈનની જીતનો જશ્ન મનાવી રહ્યા હતા, ત્યારે ત્યાંના કેટલાક લોકોએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને કોંગ્રેસ સરકારની નિંદા કરતા બુધવારે બેલગવી, ચિત્રદુર્ગ અને માંડ્યા સહિત રાજ્યના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ આરોપના જવાબમાં સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ કેસમાં કોઈને બક્ષવાનો સવાલ જ નથી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારે કહ્યું હતું કે, જો તપાસમાં આરોપ સાચો જણાશે કે વિધાનસભાની અંદર પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા તો કડક કાર્યવાહી કરવામાં આવશે.