પાસોદરામાં ગ્રીષ્મા હત્યાકેસની શાહી હજી સુકાઈ નથી ત્યાં સુરતના જહાંગીરપુરામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતી એક યુવતીએ પરિવારની મંજૂરી ન હોવાથી પ્રેમીને લગ્નની ના પાડતાં પ્રેમીએ આવેશમાં આવીને પ્રેમિકાના ગુપ્ત ભાગ પર ચપ્પુના ચાર ઘા મારી દીધા હતા. દીકરીને બચાવવા ગયેલી માતાને પણ પ્રેમીએ ચપ્પુ મારી દીધું હતું.
આરોપી પ્રતિક હજીરાની કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે અને તેના પિતા સ્કૂલવાન ચલાવે છે. 23 વર્ષીય યુવતી જહાંગીરબાદ દાંડી રોડ પર રહે છે અને પિતા સાથે કેનાલ રોડ પર ટ્યુશન કલાસ ચલાવે છે. જ્યારે તેની માતા પાલિકાની સ્કૂલમાં શિક્ષિકા છે. ગત 13મીએ સવારે યુવતી માતા અને ભાઈ સાથે મોપેડ કલાસીસ પર જતી હતી ત્યારે જહાંગીરપુરા સંગીની ગાર્ડનીયાની સામે પ્રતિક મોપેડ પર આવ્યો હતો અને પહેલાં ચાલુ મોપેડે યુવતીને ગળા પર ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ મોપેડ ભગાવી દેતાં પ્રતિકે પીછો કરીને તેની મોપેડને લાત મારી પાડી દઈ હુમલો કરર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પ્રેમિકા અને તેની માતાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
છ મહિના પહેલાં જ ઈન્સ્ટ્રાગ્રામ પર બંને પ્રેમમાં પડ્યા હતા. પ્રેમીએ ડિસેમ્બરમાં લગ્ન કરવા યુવતી પાસે બર્થ સર્ટિ, આધારકાર્ડ અને એલસી માંગ્યું હતું જે યુવતીએ આપ્યું ન હતું. જેથી પ્રતિકે આપઘાત કરવાની ધમકી આપી હતી. પછી 29 ફેબુઆરીએ રાત્રે પ્રતિકે એસિડ પીધું હોવાનું યુવતીના પિતાએ જણાવ્યું હતું. આથી તે લગ્ન કરવા તૈયાર થઈ હતી. યુવતીના જણાવ્યા પ્રમાણે, પ્રતિકે 9 માર્ચે મંદિરમાં પરિવારની હાજરીમાં જૂઠ્ઠું મંગળસૂત્ર પહેરાવી સિંદૂર પૂરી વિધિ વગર તેની સાથે લગ્ન કર્યા હતા. એફિડેવિટ વંચાવ્યા વિના સહી કરાવી હતી. યુવતીએ માતાને આ વાત કરતાં તેના પિતાએ પરિવારને કલાસીસ પર બોલાવ્યા હતા અને લગ્નની ના પાડી દીધી હતી. રજિસ્ટ્રીમાં નોંધણી થયેલી ન હોવાથી યુવતીના માતા-પિતાએ વકીલ પાસે એફિડેવિટ લઈ ફાડી નાંખી હતી.