નકલી આઇપીએસ, નકલી પીએસઆઇ અને હવે નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નકલી ડેપ્યુટી કલેકટરની સાથે અન્ય એક આરોપીની પણ સુરતની સલાબતપુરા પોલીસે જ્વેલર્સ વેપારી જોડે રૂપિયા 12 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા જ્વેલર્સ વેપારીને ત્યાં આ નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર અને તેની સાથેનો શખ્સ જ્વેલરીની ખરીદી કરવા પહોંચ્યા હતા. વેપારીને ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી રૂપિયા 12 લાખનું સોનું ખરીદ્યું હતું. જે બદલામાં આપેલા ચેક રિટર્ન કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. સમગ્ર મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચતા પોલીસે ખરાઈ કરી હતી. પોલીસ તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને નકલી મહિલા ડેપ્યુટી કલેકટર સહિત બે લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.