મતદાન પહેલા જ કોંગ્રેસે સુરત લોકસભા બેઠક ગુમાવી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો દાવ કરી નાંખ્યો છે. ત્યારે કોંગ્રેસ હવે કોર્ટના દ્વાર ખખડાવશે. જોકે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં સુરતમાં કોંગ્રેસમાં નવો કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસના જ નેતાઓએ કુંભાણી સામે પૈસા લીધા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાને કારણે બેઠક ગુમાવી પડી તેવા કોંગ્રેસમા અંદરખાને આક્ષેપો ઉઠ્યા છે. હાલ નિલેશ કુંભાણી તરફ શંકાની સોય ઉભી થઈ છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો કે, કઈ રીતે પોતાના જ પરિવારજનો આ રીતે દગો કરી જાય. એ સો ટકા તપાસનો વિષય છે. ટેકેદાર તો તેમના જ સગા હતા, તો કેવી રીતે દગો કરી શકે.
કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ કુંભાણી પર આક્ષેપ મૂકતા કહ્યું કે, ગઈકાલથી જે ઘટના ક્રમ ઘટી ગયો છે, આ માટે ભાજપ અને નિલેશ કુંભાણી પોતે જ જવાબદાર છે. જે ટેકેદાર હતા, તે કોંગ્રેસ પાર્ટીના અને જવાબદાર વ્યક્તિના હતા. જવાબદાર આગેવાનોના હતા. નિલેશ કુંભાણીના અંગત સગા બનેવી, સગા ભાણેજ અને બે ધંધાર્થી પાર્ટનર છે. તેથી એ જવાબદારી નિલેશ કુંભાણીની થાય છે. નિલેશ કુંભાણીને જ્યારે પાર્ટીએ કહ્યું કે, સંગઠનના આગેવાનોને ટેકેદાર તરીકે રાખવા, પરંતું તેમણે ઉમેદવાર તરીકે પોતાના પાવરનો ઉપયોગ કર્યો હતો. વીટો પાવર રાખીને આવી રીતે અંગત વ્યક્તિઓને મૂક્યા હતા. આવી રીતે અંગત વ્યક્તિ ભાજપના નેતાઓ સાથે આવીને એફિડેવિટ કરી જાય તો તે નિલેશ કુંભાણીની જવાબદારી છે. જે ઘટનાક્રમ ઘટી ગયો છે અને ચાલી રહ્યો છે તે માટે નિલેશ કુંભાણી જવાબદાર છે.
નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ‘ગાયબ’ ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે.