આમોદ તાલુકામાં આવેલાં માતર ગામે રહેતાં ઇલ્યાસ આદમ કડુની પુત્રીના લગ્ન બાદ તેનો પતિ વિદેશમાં રોજગારી અર્થે ગયો હતો. જેના પગલે પુત્રી તેના બે સંતાનો સાથે પિયરમાં રહેવા આવી હતી. ઇલ્યાસભાઇ ગામમાં કે કોઇ જગ્યાએ જાય ત્યારે તેમના નવાસા અને નવાસીને સાથે ફરાવવા માટે લઇ જતાં હતાં. દરમિયાનમાં ગઇકાલે સવારે પણ તેઓ એક્સપ્રેસ હાઇવે પાસે જવા માટે નિકળ્યાં હતાં. તેમનો દોઢ વર્ષનો નવાસો ફહદ સુફિયાન કડુ પણ તેમની પાછળ લાગતાં તેઓ તેને પણ બાઇક પર બેસાડી સાથે લઇ ગયાં હતાં. એક્સપ્રેસ હાઇવે પાસે આવેલાં કુવા નજીક ગયાં બાદ તેમણે ફહદને ત્યાં બાઇક પાસે ઉભો રાખી થોડે દુર તેમની બીમાર બકરીને જોવા સહેજ દૂર ગયાં હતાં. જોકે, ફહદ બાઇક પાસે એકલો રમી રહ્યો હતો. પોતાના બકરાઓને જોઇને તેઓ પરત આવતાં તેમનો નવાસો ત્યાં સ્થળ પર ન દેખાતાં તેઓ ગભરાઇ ગયાં હતાં. આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. નવાસાને બુમો પાડવા છતાં તેનો કોઇ પ્રત્યુત્તર નહીં મળતાં તેઓ વધુ ચિંતિત બન્યાં હતાં. દરમિયાનમાં શોધતા શોધતાં તેમની નજર નહેર પાસે ખાડામાં જેમાં કચરુ ફસાયું હોઇ તેમાં લાકડી નાંખીને તપાસતાં તેમનો ફહદ અંદર હોવાનું માલુમ પડ્યું હતું. તુરંત તેને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, તબીબે તેનું પરિક્ષણ કરતાં તેનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. નવાસાના અકાળે આકસ્મિક મૃત્યુથી પરિવારજનોમાં ભારે ગમગીની છવાઇ હતી. ગ્રામજનોમાં પણ ઘટનાને લઇને ભારે શોક ફેલાયો હતો. ઘટનાને પગલે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે