રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનનો વિવાદ હજુ સુધી શાંત નથી થયો, ત્યારે વધુ એક ભાજપના પાટીદાર નેતાએ રાજા અને પટરાણીઓ પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કરતા કહ્યું કે, ‘પહેલાં રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય કે લંગડી હોય પણ એની કૂખેથી જન્મેલો દીકરો રાજા બનતો હતો’, ‘પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે’. આ નિવેદનનો વીડિયો વાઇરલ થતાં જ કિરીટ પટેલનો પણ માફી માંગતો વીડિયો સામે આવ્યો છે..આ પહેલાં રૂપાલાએ પણ પોતાના નિવેદન બાદ 3 વાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે..ત્યારે એવું કહી શકાય કે, કોઈપણ નિવેદન આપી માફી માંગવાનો ભાજપના પાટીદાર નેતાઓનો સિલસિલો યથાવત્ છે.