તરસાલીની નંદનવન સોસાયટીમાં રહેતા ચેતનભાઇ મોહનભાઈ સોની પોતાના પુત્ર આકાશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેણે હોસ્પિટલવાળાને એવું કહ્યું કે શેરડીનો રસ પીધાં પછી તેના પુત્રે ઉલટીઓ થઈ હતી અને પત્ની બિંદુએ પણ શેરડીના રસમાં પોટેશિયમ સાઈનાઈડ ભેળવીને પીધું હતું. આ પછી મકરપુરા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી જેમાં પોલીસને જણાયું કે ચેતનભાઇના પત્ની અને પિતાનું અગાઉ મોત થયું હતું અને પોલીસને જાણ વગર બારોબાર અંતિમવિધિ પણ કરી નાખી હતી. શંકા જતાં પોલીસે તેને રાત્રે પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી હતી અને ત્યારબાદ પોલીસ તેઓને ઘરે તપાસ કરવા માટે પણ લઈ ગઈ હતી અને ત્યારે પોલીસને ખબર પડી હતી કે ચેતન સોનીએ પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દીધું હતું. આ પછી પકડાઈ જવાની બીકે ચેતને પોલીસની નજર ચુકવીને ઝેરી દવા પી લીધી હતી થોડા સમય પછી તેઓને પણ ઉલટી શરૂ થતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ચેતન સોનીએ કોઈને કીધા વગર પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુના અંતિમ સંસ્કાર કરી નાખ્યાં હતા અને અસ્થિ કળશ ઘર બહાર જાળીએ બાંધી દીધાં હતા.