Satya Tv News

વાઘોડિયા રોડ રુદ્રાક્ષ એલિગેન્સમાં રહેતા પાડોશીઓ વચ્ચે અગરબત્તી કરવાના મુદ્દે તકરાર થઈ હતી. આ મામલે બાપોદ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વાઘોડિયા રોડ રુદ્રાક્ષ એલિગેન્સ ખાતે રહેતા યુવકની પત્ની ગર્ભવતી છે. ગુરુવારે તેઓ પત્નીને લેબમાં રિપોર્ટ કરાવવા લઈ ગયા હતા, જ્યાંથી સાંજે 7 વાગે દંપતી ઘરે પરત આવ્યું હતું. તે દરમિયાન પાડોશમાં રહેતી મહિલાને અહીં લિફ્ટ પાસે અગરબત્તી સળગાવવી નહીં તેમ કહ્યું હતું.

જેથી તે મહિલા ઉશ્કેરાઈ ગઇ હતી અને હું અહીં જ અગરબત્તી કરીશ, તમારાથી થાય તે કરી લો, હું તારી પત્નીની ડિલિવરી નહીં થવા દઉં, તેમ કહી યુવકની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બીજી બાજુ પાડોશમાં રહેતી મહિલાએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે, પતિ-પત્ની કહેતાં હતાં કે, તું અગરબત્તી હમણાને હમણા હટાવ. જેથી મેં અગરબત્તી પૂરી થઈ જાય એટલે હટાવું છું તેમ કહ્યું હતું.

ત્યારે દંપતી ઉશ્કેરાઈને ચપ્પલથી અગરબત્તી ફેંકી દઈ અપશબ્દો બોલ્યું હતું. તેઓ મહિલાને આ તારા બાપની જગ્યા નથી, અહીંયાં અગરબત્તી કરવાની નહીં, અમને નડે છે, તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યાં હતાં.

બંને ફરિયાદના આધારે બાપોદ પોલીસે સામસામે બન્ને પક્ષે ધમકીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

error: