ગુમ થયેલી મહિલાઓને શોધવા માટે વિશેષ તપાસ અભિયાન ચલાવવા સરકારને આદેશ આપવાની માંગ કરતી જાહેર હિતની એક અરજી બોમ્બે હાઇકોર્ટમાં કરવામાં આવી છે.સાંગલીના એક નિવૃત લશ્કરી જવાનના પિતાએ આ અરજી કરી છે. કોલેજમાં ભણતી તેમની દીકરી ડિસેમ્બર 2021માં ગાયબ થઇ હતી. તેમણે સંજય નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસ આ યુવતીની ભાળ મેળવી શકી નહતી. બાદમાં તેમને કહેવાયું હતું કે તેમની દીકરીએ લગ્ન કરીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો છે.
અરજદાર પિતાએ બાદમાં પોતાની રીતે તપાસ કરી તો તેમની નજર સમક્ષ ચોંકાવનારો ડેટા આવ્યો હતો. 2019થી 2021 વચ્ચે મહારાષ્ટ્રમાં આવી રીતે એક લાખ મહિલાઓ ગાયબ થઇ ગઇ છે. મોટાભાગના કિસ્સામાં પોલીસ દ્વારા કોઇ તપાસ જ થતી નથી. તેમને મળેલા ડેટા અનુસાર 2019માં 35990 મહિલા ગાયબ થઇ હતી. 2020માં 30089 મહિલા ગાયબ થઇ હતી. 2021માં 34763 મહિલા ગુમ થઇ ગઇ હતી.