રાજ્યની 300 સહકારી બેંકના કામકાજ ઠપ થયા છે. આજે સતત ત્રીજા દિવસે સહકારી બેંકોના ક્લિયરિંગ બંધ રહ્યા છે. રાજ્યની તમામ સહકારી બેન્કના સોફ્ટવેરમાં ટેકનિકલ ખામીને કારણે છેલ્લા 3 દિવસથી ટ્રાન્ઝેક્શન ખોરવાયા છે. સોફ્ટવેરમાં રેન્સમવેર નામનો વાયરસ આઈડેન્ટીફાય થતા આ સમસ્યા સર્જાઈ છે, ત્યારે RBIએ આ સોફ્ટવેરના તમામ ડિજિટલ પેમેન્ટ બંધ કર્યા છે. આજે પણ ચેક ક્લિયરિંગની કામગીરી થઈ શકતી નથી. જો કે સોફ્ટવેરમાં જે રેન્સમવેર દેખાયું હતું, તેને ફિક્સ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે હવે ગમે તે સમયે ક્લિયરિંગ શરૂ થઈ શકે છે. જો કે હાલ તો કરોડો રૂપિયાના ક્લિયરિંગ બંધ છે.
ટેક્નિકલ કારણોસર છેલ્લા 3 દિવસથી આ પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે. બેંકમાં RTGS સહિતના વ્યવહારમાં મુશ્કેલી થઈ રહી છે. જો કે સહકારી બેંકનો ઉપયોગ મોટાભાગે ખેડૂતો કરે છે. અને ખેડૂતો RTGSનો વ્યવહાર ખૂબ ઓછા કરે છે. રાજકોટ જિલ્લા બેંકના અંદાજિત 4 લાખ જેટલા ગ્રાહકો છે. આ સમસ્યાને કારણે લાખો રૂપિયાના ટ્રાન્સેક્શન પર અસર પડી છે.