વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘મા કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજો, તમારું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. હું તમારા બધાની ઋણી રહીશ. માફ કરજો.’ સુવર્ણચંદ્રક માટેની સ્પર્ધાના થોડા કલાકો પહેલા બુધવારે સવારે વેઇટ-ઇન પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ વિનેશને ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય કરવામાં આવી હતી. ભારતીય મહિલા રેસલરનું વજન 100 ગ્રામ વધુ હતું.
વિનેશે મંગળવારે (6 ઓગસ્ટ) ત્રણ મુશ્કેલ મેચોમાં ભાગ લીધો હતો, જેના કારણે તેના શરીરમાં ડિહાઇડ્રેશન હતું. આ પછી પણ, તેણે માત્ર થોડું પાણી પીધું, તેના વાળ કપાવ્યા અને કસરત કરી, જેથી તેનું વજન નિર્ધારિત વજન મર્યાદા કરતાં વધી ન જાય. જોકે, બુધવારે મળેલી નિરાશાએ તેને તોડી નાખી હતી. આ પછી, શરીરમાં પાણીની ઉણપને કારણે, વિનેશ ફોગાટને ખેલગાંવના પોલી ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી.