જયપુરના શિપ્રા પથ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ એક હુક્કાબાર પર દરોડા પાડીને કેટલાક લોકોને પકડ્યા હતા. જેમાં એક આર્મી જવાન પણ સામેલ હતો. જવાનના પકડાયા અંગેની જાણકારી લેવા માટે જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં તૈનાત અન્ય જવાન અરવિંદ સિંહ જ્યારે શિપ્રાપથ પોલીસ સ્ટેશન પહોંચ્યા તો તેમની મારપીટ કરાઈ. આ મામલે જાણકારી મળતા જ સૈનિક કલ્યાણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ પોલીસ મથક પહોંચ્યા અને એસીપીને ખુબ ફટકાર લગાવી.
રાજ્યવર્ધન સિંહ રાઠોડે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે એક સેવારત સૈનિકને કેટલાક પોલીસકર્મીઓએ નિર્વસ્ત્ર કરી દીધો અને ડંડાથી માર્યો અને પછી તેને લોકો વચ્ચે બેસાડી દીધો પછી કેટલાક પોલીસકર્મીઓએ તેને એ દોહરાવવાનું કહ્યું કે પોલીસ ભારતીય સેનાનો ‘બાપ’ છે. તેમણે કહ્યું કે આ ખુબ જ દુખની વાત છે અને આ એવા બે-ત્રણ લોકોની ખરાબ માનસિકતા દર્શાવે છે જેમણે આવું કર્યું. મંત્રીએ કહ્યું કે સૈનિકને ખરાબ રીતે મારવામાં આવ્યો અને આ સહન કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે મેડિકલ રિપોર્ટમાં લખ્યું છે કે લોકોએ તેની સાથે મારપીટ કરી. ભારતીય સેનાના એક જવાનને પાંચ પોલીસકર્મીઓએ પકડીને માર્યો છે. તે પણ કોઈ કાયદા કે કારણ વગર. આથી પોલીસ વિભાગમાં કાયદો તોડનારાઓ વિરુદ્ધ કાર્યવાહી જરૂરી છે.