ગુજરાત હાઈકોર્ટે કાર પર લગાવેલ લાલબત્તી દૂર કરવા માટે આદેશો આપ્યા છે. આદેશનું પાલન ન કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટ ખફા છે. હાઈકોર્ટે તેના આદેશનું પાલન કરવા માટે, કાર્યવાહી કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું, ‘VIPઓ 7 દિવસમાં કાર પરથી લાલબત્તી અને સાયરન દૂર કરે. જો સાયરન દૂર નહીં કરે તો કન્ટેઇમ્પટની કાર્યવાહી કરાશે.’ સાથે જ ગુજરાત હાઈકોર્ટે પ્રિન્સિપલ સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ વિભાગ અને ગૃહ વિભાગને નોટિસ આપી છે. 2014માં ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો અને બાદમાં કેન્દ્ર સરકારનો આદેશ હોવા છતાં તેમના આદેશનું પાલન ન થતા હાઇકોર્ટ લાલઘૂમ થઈ છે, અને આદેશનું પાલન કરવા માટે નોટિસ આપી છે.
કેન્દ્ર સરકારના આદેશ પછી પણ કલેકટર, SDM, સચિવો અને પદાધિકારીઓ થ્રેસર લાઇટ અને સાયરનનો ઉપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદ મળી છે. વર્ષ 2014માં ગુજરાત હાઇકોર્ટે પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સિવાયના પદાધિકારીઓ અને વિભાગો પર લાલબત્તી અને સાયરનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. છતાં હાઈકોર્ટના આદેશનું પાલન થયું ન હોવાની હાઇકોર્ટને ફરિયાદ મળી હતી.હવે ગુજરાત હાઇકોર્ટે ગુજરાત રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોને નોટિસ પાઠવીને આ અંગે જવાબ માગ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે જો હુકમનું પાલન નહીં થાય, હાઈકોર્ટના આદેશનો અનાદર થશે તો કન્ટેઈમ્ટની કાર્યવાહી કરવામાં આવશે.