અયોધ્યામાં સૌથી સુરક્ષિત ગણાતા રામપથ અને ભક્તિપથ પર સજાવટ માટે લગાવવામાં આવેલી 3800 લાઇટ અને 36 પ્રોજેક્ટર ચોરી થઈ જતાં લોકો અને પ્રશાસન અચંબામાં છે. ચોરી થયેલી લાઇટની કુલ કિંમત 50 લાખ રૂપિયાથી વધારે હોવાનું મનાય છે.
પ્રશાસન પણ ચોંકી ગયું છે, કેમ કે એ કોઈ સાધારણ રસ્તો નહીં પણ જ્યાં સૌથી વધુ પહેરો રહે છે એવો અયોધ્યાનો વિસ્તાર છે.
અચંબો એટલા માટે પણ છે કે ખુલ્લા રસ્તા પરથી સરકારી સંપત્તિ ગાયબ થઈ ગઈ અને પોલીસ સહિત કોઈને પણ ખબર સુધ્ધાં ન પડી.
અયોધ્યા વિકાસ પ્રાધિકરણ તરફથી મળેલા કૉન્ટ્રાક્ટ હેઠળ યશ ઍન્ટરપ્રાઇસીઝ અને કૃષ્ણા ઑટોમોબાઇલ્સ નામની કંપનીઓએ રામપથના કાંઠે વૃક્ષો પર છ હજાર ચારસો બામ્બુ લાઇટ અને ભક્તિપથ પર 96 ગોબો પ્રોજક્ટર લગાવ્યાં હતાં.