
આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. હિન્દુ સંસ્કૃતિમાં આ તહેવારનું ખુબ મહત્વ છે. ત્યારે ધાનેરાની એક કોલેજની વિદ્યાર્થિનીઓએ દેશની રક્ષા કરતા બીએસએફના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વિદ્યાર્થિનીઓએ દેશનું રક્ષણ કરતા જવાનોને તિલક કરી તેમના કાંડે રક્ષા કવચ બાંધી હતી, તેમજ મોઢું મીઠું કરાવી દેશની રક્ષા કરવાના આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. દર વર્ષે આ કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાના ભાઈઓ સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવતી હોય છે, પરંતુ આજે વિદ્યાર્થીનીઓને દેશના જવાનોને રાખડી બાંધવાની તક મળી. જેના કારણે વિદ્યાર્થિનીઓમાં પણ અનેરી ખુશી જોવા મળી.
પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર દેશની સરહદ પર ફરજ નિભાવતા બીએસએફના જવાનો તો પોતાની બહેનો સાથે રક્ષાબંધન મનાવી નથી શકતા. આથી કોલેજની વિદ્યાર્થિનીઓએ તેમની નાની બહેન બની રાખડી બાંધવાની ફરજ અદા કરી. આ પ્રસંગે જવાનો પણ ભાવવિભોર થઇ ગયા હતા.