વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગર-1માં રક્ષાબંધનના પર્વે પ્રેમ પ્રકરણની અદાવતમાં ઝગડો થતા 19 વર્ષે યુવાનની હત્યા થઈ છે. ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ડીસીપી ઝોન-2, સી ડિવિઝનના એસીપી પણ બનાવની ગંભીરતા જોતા સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. હુમલામાં 3 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે બન્ને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મૂળ રાજસ્થાનના અને હાલ વડોદરાના વિશ્વામિત્રી બ્રિજ નીચે આવેલ મહાકાળી નગરમાં રહેતા શ્રાવણ રમણભાઈ મારવાડી (ઉં.વ.37)એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી પત્ની સાથે નજીકમાં રહેતા મગંળ ઉર્ફે સત્યમ ધનજીભાઈ ભીલ મારવાડી (રહે. સુભાષનગર-1, વિશ્વામિત્રી બ્રીજ નીચે, વડોદરા) સાથે આશરે દોઢેક વર્ષ અગાઉ આડા સબંધ હતાં. જે-તે વખતે અમે અમારા સમાજના માણસોને ભેગા કર્યા હતા અને આ બાબતે અંદરોઅંદર સમાધાન કરી લીધું હતું.
ત્યારબાદ ગઈકાલે 19 ઓગસ્ટના રોજ સાંજના આશરે 6.30 વાગ્યે મંગળ ઉર્ફે સત્યમ મારા ઘરની નજીકમાં આવીને બેઠો હતો અને મારા ઘર તરફ જોયા કરતો હતો. જેથી મેં મારા ભાઈ વિજયને બોલાવી કહ્યું હતું કે, મંગળ સાથે સમાધાન થયું હોય છતા પણ બે-ત્રણ દિવસથી આપણા ઘર પાસે આવતો જતો હતો. આજે પણ ઘર પાસે બેઠો છે અને મારા ઘર તરફ જોયા કરે છે. જેથી મારો ભાઈ વિજય આવ્યો હતો અને મંગળને વાત કરતા તે ત્યાંથી નીકળી ગયો હતો. મારો ભાઈ વિજય પણ ત્યાંથી નીકળી ગયો હતો.